Mark 7

1ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.

2અને તેમના કેટલાક શિષ્યોને તેઓએ ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં. 3કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોનો સંપ્રદાય પાળીને સારી રીતે હાથ ધોયા વિના ખાતા ન હતા. 4બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

5પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’

6ઈસુએ તેઓને કહ્યું કે,’ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક બોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે. 7પણ તેઓ પોતાના સંપ્રદાય મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

8ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના સંપ્રદાય પાળો છો.’ 9તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના સંપ્રદાય પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો બરાબર નકાર કરો છો. 10કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતા-પિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતા -પિતાની નિંદા કરે તે માર્યો જાય”;

11પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતા-પિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. 12તો તમે તેને તેનાં માતા-પિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતા નથી, 13અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’

14લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો. 15માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને પતિત કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને પતિત કરે છે. 16જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે

17જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું. 18ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને પતિત કરી શકતું નથી? 19કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા.

20વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને પતિત કરે છે. 21કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે જારકર્મ,ચોરીઓ, હત્યાઓ, 22વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃતિ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. 23એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને પતિત કરે છે.

24પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમોમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ. 25કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. 26તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાના ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુદ્ધ આત્મા કાઢવાને તેમને વિનંતી કરી.

27પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી તે ઉચિત નથી.’ 28પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંના પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.

29ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી અશુદ્ધ આત્મા નીકળી ગયો છે.’ 30તેણે પોતાને ઘેર આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી છે અને તેનામાં અશુદ્ધ આત્મા નથી.’

31ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. 32લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા.અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

33ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; 34અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો.અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’ 35તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.

36ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતા અને મૂકજનોને બોલતાં કરે છે.

37

Copyright information for GujULB